હનુમાનજી મહારાજનો પ્રતિષ્ઠોત્સવ, હરપાડા, ડાંગ

ડાંગ આહ્‌વા જિલ્લાના એકદમ અંતરિયાળ વનવાસી ક્ષેત્રના હરપાડા ગામે સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં હનુમાનજી મહારાજનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.
રાજકોટના સુપ્રસિદ્ધ ડોકટર પંપના માલિક પરશોત્તમભાઇ કમાણી તથા પરિવારજનોએ પોતાના માતા સંતોકબેન વેલજીભાઇ કમાણીની પવિત્ર સ્મૃતિમાં આ વનવાસી વિસ્તારમાં આવેલ હરપાડા ગામે હનુમાનજી મહારાજનું મંદિર અને સત્સંગ ભવનનું નિર્માણ લાખોના ખર્ચે કરેલ છે. આવા વનવાસી વિસ્તારમાં આવું મંદિરભાગ્યે જ હશે. માલેગામ, સાપુતારા, પ્રાયોશા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી પી.પી.સ્વામી દ્વારા વનવાસીઓના ઉત્કર્ષ માટે શૈક્ષણિક સંકુલો તથા બીજી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમની પ્રેરણાથી આ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે.
પ્રતિષ્ઠા બાદ સભામાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ ભૂમિ શબરીમાતા અને અંજનિ માતાની ભૂમિ છે. રામચંદ્રજી ભગવાનને અયોધ્યાના રાજમહેલોએ જાકારો આપ્યો હતો ત્યારે આ વનવાસી બંધુઓની ઝુંપડીઓએ એમને આવકાર્યા હતા. આ વનવાસી મિત્રો પાસે બીજી સમૃદ્ધિ કદાચ ઓછી હશે. પરંતુ પ્રેમની સમૃદ્ધિ જબરી છે જે પ્રેમને લીધે ભગવાન રામચન્દ્રજી વશ થયા હતા. વનવાસી મિત્રોએ અંગ્રેજો સામેની લડાઇમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી ને પોતાની આ માતૃભૂમિની આઝાદીની રક્ષા કરી હતી.
પરશોત્તમભાઇ અને તેમના મિત્રોએ રાજકોટથી આટલે દૂરનું ગામ પસંદ કર્યું તે બદલ એમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. તેમને અહીં કોઇ સ્વાર્થ નથી. કોઇ ચૂંટણી લડવી નથી. માત્ર તેના હૈયાની ઉદાત્ત ભાવના કે જ્યારે સમસ્ત વિશ્વ વિકાસ સાધી રહેલ છે ત્યારે મારા વનવાસી ભાઇ-બહેનો પાછળ રહી ન જવા જોઇએ.
એમણે આ છસો માણસના ગામને દત્તક લેવાનો સંકલ્પ કરેલ છે. અહીંયા ખેતીના સાધનો પુરા પાડવામાં આવશે.ને ઓર્ગેનિક ખેતીનો વિકાસ થશે. બહેનોને સીલાઇ મશીનો પુરા પાડવામાં આવશે. ગામની દિકરીઓને વધુ અભ્યાસ માટે શિષ્યવિૃત્તઓ અપાશે. ખરેખર આ નાની સુની સેવા નથી. ખરેખર તો પરશોત્તમભાઇ કમાણીએ પોતાનીમાતા સંતોકબાનું નામ રોશન કર્યું છે. વિશેષ તો આખું ગામ શરાબ છોડીને નિર્વ્યસની થયું છે તેને હૃદયથી અભિનંદન.વ્યસનો છોડવાથી આરોગ્ય અને આર્થિક સમૃદ્ધિ વધશે.
પૂજ્ય સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતું કે આ વનવાસી ક્ષેત્રમાં પી.પી.સ્વામી તેમજ કમાણી બંધુઓએ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.
આ પ્રસંગે પી.પી.સ્વામીએ આ વનવાસી ક્ષેત્રમાં સેવાના ભેખધારી ઘેલુભાઇ નાયકને યાદ કર્યા હતા.અને વનવાસી ક્ષેત્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો. તેમની પ્રેરણાથી ગામ લાકોએ હનુમાનજી મહારાજની સેવા, પૂજા, આરતિ વગેરેની જવાબદારી ઉપાડી લીધી હતી. તેમજ રોજ રોજ પ્રસાદ વિતરણની સેવા પરશોત્તમભાઇ તથા તેના મિત્રોએ ઉપાડી લીધી હતી.
આ પ્રસંગે પરશોત્તમભાઇ કમાણીએ જણાવ્યું હતું કે મારા હૃદયમાં એક પીડા હતી કે જ્યારે આઝાદી પછી સમગ્ર ભારતવર્ષ પ્રગતિ સાધી રહ્યું છે ત્યારે મારા વનવાસી મિત્રો પાછળ ન રહેવા જોઇએ. અમો મિત્ર વર્તુળ અહીં જે કરી રહ્યા છીએ તે ઉપકાર નથી પણ અમારા હૃદયની પીડા શાંત કરવા કરી રહ્યા છીએ. સ્વામીજીની ઉપસ્થિતિએ અમને બળ પુરુ પાડ્યું છે.
વસંતભાઇ લીંબાસિયાએ જણાવ્યું હતું કે આ ગામને દત્તક લેતા પહેલા અમો આજુબાજુના ૮-૧૦ ગામોમાં ફર્યા. અમારી શરત એ હતી કે એ જ ગામને દત્તક લેવું કે સમસ્ત ગામ શરાબ છોડે. અમને આનંદ છે કે આ ગામમાં શરાબની ભઠ્ઠીઓ બંધ થઇ છે વળી આ ગામમાં તમાકુ કે ગુટકા પણ મળતા નથી. ખરેખર ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વજીવહિતાવહ સંદેશ અને માધવપ્રિયદાસજી સ્વામીની વ્યસન મુક્તિની વાત અહીં સાર્થક થયેલ છે.
આ પ્રસંગે ડો.વલ્લભભાઇ કથિરીયા હાજર રહેવાના હતા પણ સંજોગવશાત્‌ હાજર રહી ન શક્યા પણ પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે અમે હરપાડા ગામને ખેતી માટે ૨૦-૨૫ નંદી પુરા પાડીશું.
આ પ્રસંગે વનવાસી મિત્રોએ વનવાસી વેશભૂષામાં ઓઉજ્યા સ્વામીજી, પી.પી.સ્વામી વગેરે સંતો તથા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ધોમધખતા તાપમાં પણ ભાઇઓ અને બહેનો સ્વામીજીના આશીર્વાદના વચનો સાંભળવા ઉત્સાહથી બેસી રહ્યા હતા. નાના વનવાસી દીકરા દીકરીઓએ સમૂહમાં હનુમાન ચાલીસાનું ગાન કર્યું ત્યારે સમસ્ત વાતાવરણ ભાવ વિભોર બની ગયું હતું.
આ પ્રસંગે સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય શ્રી મંગળભાઇ, સમાજ સેવક શ્રી ગાંડાભાઇ, રમેશભાઇ, પ્રભુભાઇ ઠાકરે, ગામના સરપંચશ્રી, રાજકોટથી શ્રી છગનભાઇ ગઢિયા, નાથાભાઇ સોજીત્રા, વીરનગરથી અરજણભાઇ રામાણી, શૈલેશ ઇન્ડ્ર.ના શ્રી જયેશભાઇ સોરઠીયા, સુરત જલારામ ફર્નીચરવાળા શ્રી ગોવિંદભાઇ વગેરે અનેક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
વનવાસી વિસ્તારમાં સેવા કરવાનો જેણે ભેખ લીધો છે તે પી.પી.સ્વામી, પરશોત્તમભાઇ કમાણી તથા તેમના ભાઇ શ્રી મનસુખભાઇ કમાણીનું પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ ઉત્સાહપૂર્વક બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે પ્રાયોશા પ્રતિષ્ઠાનમ્‌ દ્વારા ચાલતા શૈક્ષણિક સંકુલોમાં જે દિકરા દીકરીઓ અગ્રીમ હરોળમાં આવ્યા હતા તેનો સત્કાર કરવામાં આવ્યો હતો.
આશ્ચર્ય તો એ કે નાના એવા વનવાસી વિસ્તારના ગામમાં દિકરા-દિકરીઓએ પ્રોફેસર અને ડોકટરેટની પદવી પ્રાપ્ત કરી છે.સુરતના વૃંદાવન સેવા ગ્રુપના મિત્રોએ ભોજન પ્રસાદની સર્વ સેવા ઉપાડી લીધી હતી.

Picture Gallery

 

 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
9 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.