Jal Zilani Mahotsav : Droneshwar, 2013

જળ ઝીલણી મહોત્સવ : દ્રોણેશ્વર

સતી, શુરા, સિંહ અને સત્પુરુષોના નિવાસથી અનેરી ભાત પાડનારો પ્રદેશ એટલે નાઘેર. આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષો પૂર્વે પાંડવગુરુ દ્રોણાચાર્યજીએ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આજેય પણ તે મહાદેવજીના મસ્તક ઉપર સતત - અવિરત જલધારા વહી છે. તે ઉના પાસેના નાઘેરના તીર્થ ધામ દ્રોણેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી શ્રી શ્રીહરિ દાસજી સ્વામી અને સંપ્રદાયના મૂર્ધન્ય વકતા પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ખાસ ઉપસ્થિતિમાં જલઝીલણી મહોત્સવ, ઉના પંથકના ચાલીસેક ગામોમાંથી આવેલા આશરે ૨૫ હજારથી પણ વધુ ભાવિક ભકતોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાયો હતો.     પ્રથમ સવારે ૮ કલાકે ફાટસર મંદિરથી ભવ્ય ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ફાટસર ઇંટવાયા વગેરે ગામોના ભાવિકો પોતાના શણગારેલા ટ્રેકટર, ગાડા, બાઈક  અને બેંડવાજા સાથે જોડાયા હતા.      કાર્યક્રમની શરુઆતમાં ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓએ ગણપતિ દાદાનો મહિમા દર્શાવતું ગણપતિ નૃત્ય તેમજ ફળી આજ ગુરુકુલ અમર વિદ્યાની વેલ નૃત્ય રજુ કર્યુ હતું. ત્યારબાદ ગુરુકુલના ગાયક શ્રી ઘનશ્યામ ભગત અને શાર્દુલ ભગતે ભાવવાહી કિર્તનોની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ પુરાણી શ્રીહરિદાસજી સ્વામી, ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોએ શણગારેલ હોડીમાં ઠાકોરજીને પધરાવી પ્રથમ આરતી ઉતારી હતી.     ત્યારબાદ અમેરિકા સત્સંગ વિચરણ કરી રહેલ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ટેલિફોનિક માધ્યમથી સૌ હરિભકતોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ખરેખર મચ્છુનદીને કિનારે અને એય દ્રોણેશ્વર મહાદેવજીની સાનિધ્યમાં જલઝીલણીનો ઉત્સવ માણવો એ મહદ્ ભાગ્ય છે. આ નાઘેર પંથક મહા તીર્થ રુપ છે. કારણકે ઘણા વર્ષો પૂર્વેથી સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય શ્રી જોગી સ્વામી વગેરે સંતોએ ગામડે ગામડે ફરી આ ધરાને પાવન કરી છે. આપની સાનિધ્યમાં દ્રોણેશ્વ ગુરુકુલ શરુ થઇ રહેલ છે તો તેની તન,મન અને ધનથી સેવા કરજો.      આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ સંપ્રદાયના મૂર્ધન્ય વકતા પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે આ પરિવર્તની એકાદશી છે. ભગવાનની કૃપાથી આ વરસે પુષ્કળ વરસાદ થયો છે. ખરેખર આ ઉત્સવ ભગવાનનો આભાર વ્યકત કરવાનો દિવસ છે. વરસાદ ન હોય તો કેવી પરિસ્થિતિ થાય છે તે આપ સર્વે જાણો છો. તેઓશ્રીઓ જણાવ્યું હતું જીવનમાં ચાર વસ્તુની ખાસ જરુર છે. જેમા ભગવાનની ઉપાસના, ભગવાનના ચરિત્રોનું ગાન, ભગવાનના નામોનું જપ અને સદાચાર ધર્મ. જે સમાજ પોતાના કુળની રીતિ, પોતાના કુળની પરંપરાને ભૂલી જાય છે ત્યારે તે સમાજનું પતન થાય છે. સંતોનું જીવન કપાસ જેવું હોવુ જોઇએ. કપડું ફાટેલ હોય તો ચાલે પણ ચારિત્ર ખરાબ થઇ જાય તો સમાજ ધિક્કારે છે. આ પ્રસંગે શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ સત્સંગનો તેમજ એકાદશી અને જલઝીલણી મહોત્સવનો મહિમા સમજાવ્યો હતો. અંતમાં આવેલ તમામ ભાવિકોને ફરાળી શીરાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

Picture Gallery


Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.