Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Makar Sankranti Festival – Savannah USA

તા. ૧૪મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ. આજના દિવસથી સૂર્યનો પ્રવેશ મકરરાશીમાં થતો હોવાથી ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના પર્વનું માહાત્મ્ય યુગોથી ગવાતું આવે છે. કહેવાય છે કે, મકરસંક્રાંતિના અનેરા માહાત્મ્યને કારણે જ પિતામહ ભિષ્મે પંચાવન દિવસ સુધી પોતાના શરીરને બાણશૈયા પર ટકાવી રાખીને આજના દિવસે શરીર શાંત કર્યું હતું.
અમેરિકા, સવાનાહ (જ્યોર્જીયા) ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી કાર્યરત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં ભારતીય સંસ્કૃતિને આધારે મકરસંક્રાંતિ પર્વની અનેરા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આજના દિવસે અમેરિકાના વિવિધ વિસ્તારોમાંથી ઉત્સાહી ભાઈ-બહેનો લગભગ બે હજારની સંખ્યામાં એકત્રિત થયા હતા અને આખો દિવસ પતંગ ચગાવવાની મોજ માણી હતી.
આજના દિવસે વહેલી સવારે સંતોના સાનિધ્યમાં ભક્તજનોએ ભગવાન શ્રી સ્વામિનારાયણનું, સૂર્યનારાયણ દેવ ના પૂજન સાથે ગૌપૂજન કર્યું હતું. મંદિરમાં સેવા કરનારા ભાઈ-બહેનો દ્વારા મકરસંક્રાંતિના પર્વને અનુરૂપ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. અમેરીકાના અનેકવિધ વિસ્તારોમાંથી આવનારા ભારતીય અને અમેરીકન ભાઈ-બહેનોએ આ તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અનેરો આનંદ માણ્યો હતો. 
આ પર્વની ઉજવણી માટે અમદાવાદથી પતંગ તથા ફીરકીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને નાના બાળકોને આનંદ ઉપજાવે એવા કિડ્‌સ ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 
મકરસંક્રાંતિના પવિત્ર પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિનો ઉત્સવ એટલે સૂર્ય પૂજાનો ઉત્સવ. સૂર્ય જ્ઞાનનું પ્રતિક છે. સૂર્ય સૃષ્ટિને પોતાના પ્રકાશ દ્વારા ઉર્જાવાન રાખે છે એ જ રીતે જ્ઞાન માનવજીવનને અનોખા પ્રકાશથી ભરી દે છે.” 
“આ જ સૂર્યનું શાસ્ત્રીય નામ પતંગ પણ છે. માનવજીવન રૂપી પતંગ, આયુષ્યરૂપી દોરી દ્વારા પરમાત્માને પામવા ઉર્ધ્વગતિ કરે છે ત્યારે પેચ રૂપી અનેક અવરોધો આવે છે. તે બધા જ અવરોધોથી બચતા રહીને ઉર્ધ્વગતિ કરતા રહીએ તો પરમાત્મા રૂપી સૂર્ય તરફ આગળ વધી શકાય.”
SGVP ગુરુકુલ – યુ.એસ.એ.માં સેવા કરનારા ભાઈ-બહેનોએ પૂજ્ય શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી તથા પૂજ્ય શાસ્ત્રી કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે આ મહોત્સવને સફળ બનાવવા ખૂબ જ સુંદર પૂર્વતૈયારીઓ કરી હતી.

 

Achieved

Category

Tags