Oxygen tank unveiling - 2021

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) સંસ્થા દ્વારા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણા, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શિક્ષણ, પર્યાવરણ તથા સમાજ ક્ષેત્રે અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે.

આ સેવાકાર્યના નૂતન સોપાન તરીકે SGVP હોલિસ્ટિક હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ ૦૩ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હોસ્પિટલનું લોકાર્પણ કરીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

આજે છેલ્લા સાડા ત્રણ વર્ષથી SGVP હોસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગના સહકારથી અનેક દર્દીઓએ સારવાર મેળવી છે અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

જ્યારથી કોરોનાની મહામારીએ દસ્તક દીધી છે ત્યારથી લગભગ ૪,૦૦૦ થી પણ વધારે કોરોનાના દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર મેળવી છે. લગભગ બે લાખથી પણ વધારે લોકોએ ભોજન પ્રાપ્ત કર્યું છે.

સાઈઠ લાખથી પણ વધારે રૂપિયાની આઠ હજાર ઉપરાંત આયુર્વેદિક કીટનું વિતરણ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જે કીટનું સેવન કરીને કોરોનાના દર્દીઓને ખૂબ રાહત પ્રાપ્ત થઈ છે. ત્રીસ હજારથી વધારે ઉચ્ચ ગુણવત્તાના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આવી અનેક સેવાઓ હોસ્પિટલ દ્વારા કોરોના મહામારીના પ્રારંભથી અવિરત ચાલી રહી છે.

આ સેવાઓમાં નૂતન સેવાનો ઉમેરો થયો છે. કોરોના મહામારીની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની તંગી કારણે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. એ વાતને ધ્યાનમાં રાખીને SGVP હોસ્પિટલ ખાતે ૧૩,૦૦૦ લીટરની લીક્વિડ ઓક્સીજન ટેન્કની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

તારીખ ૧૭ જૂન, ૨૦૨૧ના રોજ આ ઓક્સીજન ટેન્કને દર્દીઓની સેવામાં અર્પણ કરવામાં આવી. આ સમારંભ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા અને ટેન્કનું લોકાર્પણ કર્યું હતું.

પૂજ્ય સ્વામીજીએ આ પ્રસંગે કોરોના મહામારી દરમિયાન સંસ્થા દ્વારા થયેલા સેવાકાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન SGVP હોલિસ્ટિક હોસ્પિટલના તમામ કર્મચારીઓએ જે પ્રકારે દર્દીઓની સારવાર કરી છે તે પ્રસંશનીય છે. સાથે સાથે આજે જે ટેન્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં SGVP ગુરુકુલ પરિવાર કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા તથા દેશમાં વસતા દાતાશ્રીઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. ભગવાન એ તમામ દાતાઓને સર્વ પ્રકારે સુખી રાખે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઓન સ્ક્રિન ટેન્કને ખૂલ્લી મૂકી જણાવ્યું હતું કે, SGVP સંસ્થા દ્વારા સ્વામી માધવપ્રિયદાસજીની આગેવાનીમાં જે રીતે સમાજસેવાઓ થઈ રહી છે તેનો હું સાક્ષી છું. મારા સુપુત્ર ઋષભે અહીં રહીને ખૂબ સારા સંસ્કાર પ્રાપ્ત કર્યા છે. તાજેતરમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમ્યાન પણ SGVP સંસ્થાએ ખૂબ મોટા પ્રમાણમાં સેવાઓ કરી છે. એ માટે હું સંસ્થા અને સંતોનો ખૂબ આભાર માનું છું

ઉપરાંત અમેરિકાથી ખાસ ઓનલાઈન ઉપસ્થિત ડૉ. વિજયભાઈ ઘડુકે પણ તાજેતરમાં સંસ્થા દ્વારા થઇ રહેલ  સમાજસેવાઓની મહિતી આપી હતી.

આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સમારોહમાં ઉપસ્થિત મુખ્ય દાતા કે. વરસાણી, ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હાઈકોર્ટના જજ શ્રી ઢોલરિયા સાહેબ, અમદાવાદ શહેર સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, SGVPના ડાયરેક્ટર શ્રી જયદેવભાઈ સોનગરા, હાસ્યકલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવોનું સન્માન કરી આભાર માન્યો હતો.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.