Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Patotsav – Sharadotsav – 2021

Photo Gallery

પાટોત્સવ

શરદ પૂર્ણિમાના પવન પ્રસંગે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીમાં સંત નિવાસમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૧મો વાર્ષિક પાટોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.
આ પ્રસંગે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં સંતો સહિત સ્નાન કરતા.

તે પ્રસાદીભૂત વાવના જળને ગુરુકુલના સંતો અને ઋષિકુમારો પગપાળા ચાલી મસ્તકે કળશ ધારણ  કરી ગુરુકુલમાં લાવ્યા ત્યારે સંતો અને ઋષિકુમારોએ સ્વાગત કરી સાથે શોભાયાત્રા કાઢી હતી. તે પ્રસાદીભૂત જળ, ગંગાજળ તેમજ  ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ. ત્યારબાદ ઠાકોરજીને ૭૫ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવેલ.

પૂજ્ય સ્વામીજીએ દરેક પ્રાણીમાત્રમાં ભગવાનનો વાસ છે, તેમની સેવા એ પણ દેવ સેવા જ છે એમ કહી અભિષેક અને અન્નકૂટનો મહિમા સમજાવ્યો હતો. પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી વર્ષાઓની પરંપરા પ્રમાણે અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.
શરદ પૂર્ણિમા મહોત્સવ – ૨૦૨૧
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં દરવરસની માફક શરદપૂર્ણિમા મહોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.
શરદપૂર્ણિમાનો મહિમા સમજાવતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતુ કે શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીના પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણનો રાસ એટલે ધરતી ઉપર પ્રેમનો વરસાદ, આજની ધરતી આવા પ્રેમના વરસાદને ઝંખે છે. આજે મકાન મોટા થયા છે પણ માણસ સાવ વામણો બન્યો છે. મશીનો વધ્યા છે સંવેદના ઘટી છે. સંપત્તિ પાછળની આંધળી દોટને લીધે જગત્ રેતના રણ જેવું સુકું થઇ ગયું છે. ત્યારે આવા શરદોત્સવો રણમાં ગુલાબના ફુલ ખીલવે છે. આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો સંતો સાથે રાસ રમ્યા હતા ત્યારે જેટલા સંતો હતા તેટલા રુપો ભગવાને ધારણ કરી રાસ લીધો હતો.

આ પ્રસંગે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે તો અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ દિવસ છે. ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે મુક્તોપણ સાથે લાવે છે, એકલા આવતા નથી. ભગવાન સ્વામિનારાયણની સાથે ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા.
આ પ્રસંગે લોકલાડીલા ભીખુદાનભાઇ ગઢવીએ પોતાની આગવી છટામાં શ્રોતાઓને રાજી કર્યા હતા. આ પ્રસંગે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ અને રીબડા ગુરુકુલના વિદ્યાર્થીઓ ઉપરાંત ભાવનગરની રાસમંડળીએ પણ કાઠીયાવાડી રાસની રમઝટ બોલાવી હતી.
યોગાનુયોગ આજે ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પોતાના કામણગારા કંઠે શરદોત્સવને રસમય બનાવી દીધો હતો. પાર્થિવના બોલે એસજીવીપીના સંતો એ રાસ લીધો ત્યારે વાતાવરણ અતિ દિવ્ય ભાસતું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ  વાઘાણી  ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અંતરના ઉદગારો વ્યકત કર્યા હતા.
આ પ્રસંગે જજ શ્રી ઢોલરિયા સાહેબ, નવિનભાઇ દવે, ભીખુદાનભાઇ ગઢવી, વિપુલભાઇ ગજેરા, શરદભાઇ ઠાકર, ભદ્રાયુ વચ્છરાજાની, ગોવિંદભાઇ રાઘવાણી-લંડન, ઝાલાવાડીયા ત્રીકમભાઇ, ઝાલાવાડીયા ધનજીભાઇ વગેરે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમને અંતે દરેક ભકતોનો દૂધપૌઆનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags