રથયાત્રા, ૨૦૧૪

રથયાત્રા      
અષાઢી બીજ, ગુરુકુલ પરંપરાના પુનરુદ્ધારક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો જન્મ દિવસ અને ભગવાન શ્રી જગન્નાથજીનો બલરામ ભૈયા તથા બહેન સુભદ્રા સાથે નગરયાત્રાનો દિવસ. આ મંગલ દિવસે ગુરુકુલ પરિવારે સવિશેષ ધૂન ભજન કરી શ્રી હરિ અને ગુરુદેવના ચરણોમાં ભાવવંદના કરી.
ઉપરાંત સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની નિશ્રામાં, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન  મુજબ  મેમનગર ગુરુકુલથી પશ્ચિમ વિસ્તારમાં ભવ્ય છઠ્ઠી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.3

અષાઢી બીજ, 29 July 2014 રવિવારના રોજ બપોર પછી ૨-૦૦ કલાકે ભગવાન જગન્નાથજી, બલરામ ભૈયા અને સુભદ્રાબેન સાથે રજવાડી પોષાક ધારણ કરી પ્રારંભમાં દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી લક્ષ્મીનારાયણજી, અર્જુનાચાર્યજી તથા ઋષિકુમારોએ ષોડશોપચારથી શ્રી જગન્નાથજી ભગવાન, બલરામ ભૈયા અને સુભદ્રાબેનનું પૂજન કરી સદગુરૂ સંતોએ આરતિ ઉતારી હતી.

રથયાત્રાની પહિંદવિધિ પ્રમાણે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (સ્ટેન્ડીંગ કમિટિ – અધ્યક્ષ) તથા શ્રી રાકેશ શાહે (ભાજપ પ્રમુખ-અમદાવાદ) સોનાની સાવરણીથી વાળી પ્રસ્થાન કરાવ્યું હતું. પહિંદવિધિ બાદ સંતો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ દોરડાથી રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ ગુરુકુલના ૪૦ યુવાન સંતો, ૧૦૦ કોલેજીયન વિદ્યાર્થીઓ અને બાપુનગર સત્સંગ મંડળના ૨૫૦ યુવાનોએ દોરડાથી રથ ખેંચી પ્રસ્થાન કર્યું હતું.

રથયાત્રામાં ગુરુકુલના અશ્વ સવારો, બેન્ડ, ભગવાન શ્રી સ્વામિનારાયણ રથ, દશાવતાર રથ, જનમંગળ બોલતા ઋષિકુમારોનો રથ, જગન્નાથજી ભગવાનનો રથ, સદ્‌ગુરુ રથ, પ્રસાદના ચાર રથ, ગુરુકુલ રાસમંડળી, પર્યાવરણ જાગૃતિ રથ, સ્ત્રી સમ્માન – બેટી બચાઓ રથ, ધૂન-કીર્તન રથ, કળશધારી બહેનો વગેરે જોડાયા હતા. ખાસ જુનાગઢ જિલ્લાના જાંબુર ગામના સિદ્દી લોકોના ધમાલ નૃત્યે આકર્ષણ જમાવ્યું હતું.

રસ્તામાં શીખ ધર્મગુરુ જ્ઞાની રતનસિંહજી, સરદાર હવેલાસિંહ, સરદાર સુરજીતસિંહ અરોરા, સરદાર દિલીપસીંઘ, સરદાર જસબીરસિંહ મખીજા, સતનામસિંહ દુગ્ગલ વગેરેએ ઠાકોરજીનું પૂજન કરી, સદ્‌ગુરુ સંતોને હાર પહેરાવી પોતે પણ રથયાત્રામાં જોડાઇ સૌનું અભિવાદન કર્યુ હતું.

આ રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, બજરંગદળ, સાંઇબાબા મંદિર, ભીડભંજન હનુમાનજી, માનવ મંદિર, રામજી મંદિર, શિવસેના વગેરે અનેક ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ જોડાઇ હતી. રસ્તામાં ઠેર ઠેર શરબત, રબારી સમાજ દ્વારા મિલ્ક શેક, લસ્સી, શીખ સરદાર દ્વારા દૂધ કોલ્ડ ડ્રીંક, બ્રેડ, પકોડા, સમોસા, ચોકલેટ તેમજ તમામ નગરયાત્રામાં જોડાયેલને આઇસ્ક્રીમ પ્રસાદ રુપે વહેંચાયો હતો. રથયાત્રા દરમ્યાન પ્રસાદરુપે ખોબે ખોબે મગ, જાંબુ, ખારેક, કાકડી વહેંચવામાં આવ્યા હતા.

બપોરે ૨-૦૦ કલાકે મેમનગર ગુરુકુલથી નીકળેલી શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રા સુભાષ ચોક, યુગાન્ડા સોસાયટી, સોલા રોડ, ભુયંગદેવ ચાર રસ્તા, વિવેકાનંદ ચોક, મેમનગર ગામ થઇ સાંજે ૮-૩૦ કલાકે ગુરુકુલ પહોંચી સભાના રુપમાં ફેરવાઇ હતી. જ્યાં જગન્નાથ ભગવાનના પૂજન બાદ પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા. તથા યુ.કે.માં સત્સંગ યાત્રાએ પધારેલ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વિડીઓ લીંક દ્વારા રથયાત્રાનો મહિમા સમજાવ્યો હતો. 

પ્રેરણા દાયક સ્વચ્છતા અભિયાન : સામાન્ય રીતે આવી વિશાલ નગર યાત્રા પછી રસ્તાઓ પ્લાસ્ટીકના ગ્લાસ- થેલી, પાણીની બોટલ-પાઉચ, નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે ઢગલાબંધ કચરાથી ઉભરાતા હોય છે. અને દિવસો સુધી નડતરરુપ અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી સામજિક સેવાના એક ભાગ રુપે,‘‘ આપણું શહેર સ્વચ્છ શહેર ’’એ અભિયાન અંતર્ગત ગુરુકુલના ૮૦ સ્વયંસેવકો દ્વારા નગરયાત્રા દરમ્યાન રથયાત્રા પાછળ પાછળ તમામ પ્રકારનો કચરો એકઠો કરી ૧૧ ટેકટરો દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલ. રથયાત્રામાં આવેલ દર્શનાર્થીઓએ પણ ગુરુકુલ દ્વારા પ્રેરણારુપ આ સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી.

Picture Gallery

 

 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.