Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Sadguru Vandana Mahotsav, Gundasara, 2012

સદ્ગુરુ વંદના મહોત્સવ ઉપક્રમે શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ – ગુંદાસરા

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજીસ્વામી, તથા પૂજયપાદ જોગીસ્વામીએ રાજકોટ અને આજુબાજુના ગામોમાં વિચરણ કરી અનેક જીવોને ભગવાન ભજતા કર્યા. અનેકના સંકલ્પો પૂર્ણ કરી સુખીયા કર્યા. આ ગામોમાંનું ગુંદાસરા ગામ એટલે આ સંતોની ચરણરજથી પવિત્ર થયેલુ અને બ્રહ્મનિષ્ઠ મૂળજીભગતનું ગામ. આ ગુંદાસરા ગામમાં અખંડ ભગવદ્ પરાયણ પૂજયપાદ જોગીસ્વામીના તારીખ પ્રમાણેના ૧૦૮માં પ્રાગટ્યદિન પ્રસંગે શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર, ગુંદાસરા તથા પારડી દ્વારા તા. ૨ થી ૬ મે, ૨૦૧૨ દરમિયાન ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ ઉપક્રમે શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં પ.પૂ. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વ્યાસાસને બિરાજી પોતાની વિદ્વતાભરી શૈલીમાં કથાવાર્તાનો લાભ આપ્યો હતો. મહોત્સવ ઉપક્રમે તારીખ ૧ એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ વાડીમાં ૧૨ કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી.મહોત્સવ ઉદ્ઘાટનતા ૨ મે, બુધવારના રોજ મહોત્સવના પ્રારંભે યજમાનો દ્વારા પોથીપુજન બાદ રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય સભા મંડપમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ચૈતન્ય સ્વામી-લોજ, પુરાણી ભગવતજીવનદાસજી સ્વામી-વિસાવદર, પૂજય અક્ષરજીવનદાસજી સ્વામી-હરીયાળા તથા પુરાણીશ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે દીપપ્રાગટ્ય કરી મહોત્સવનો પ્રારંભ થયો. ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્ઘાટન નૃત્ય રજુ થયું. નૃત્ય બાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કરી પધારેલા તમામ સંતો મહાનુભાવોનું વાણીપુષ્પ દ્વારા સ્વાગત કર્યું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન પૂ. શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીએ મંગલ ઉદ્બોધન કરતા જણાવ્યુ હતું કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત ગુરુકુલ પરંપરા સત્સંગની પોષક સંસ્થા છે. પૂજયપાદ જોગીસ્વામી જેવા વચનસિદ્ધ મહાપુરુષે આ ગુરુકુલનું સર્વપ્રકારે પોષણ કરી અનેક જીવોને ભગવાનના ધામમાં પહોંચાડ્યા છે.
કથા દરમ્યાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ નીષ્કુળાનંદસ્વામીનું આખ્યાન કહી શ્રી ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવની કથા કરી હતી. કથા બાદ પૂજય સંતો તથા મહાનુભાવોના હસ્તે બાળ નગરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ હસમુખભાઈ પાટડીયા, વિજય ભરાડ તથા દિનેશ વઘાસીયાનો ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.શ્રી મહાવિષ્ણુયાગ મહોત્સવના દ્વિતીય દિને ત્રિદિવસીય મહાવિષ્ણુયાગનો પ્રારંભ થયો. અરણીમંથન દ્વારા અગ્નિદેવને પ્રગટ કરી, આહુતિઓ અર્પણ થઇ. વ્યાખ્યાન માળા દરમ્યાન પુરાણી શ્રી માધવજીવનદાસજી સ્વામીએ પૂજયપાદ જોગીસ્વામીના પ્રસંગો વર્ણવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂજથી શાસ્ત્રી શ્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામીએ પધારી કથાવાર્તાનો લાભ આપતા જણાવ્યુ હતુ કે શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલ આ ગુરુકુલે સત્સંગની ખૂબ જ સેવા કરી સત્સંગને ઉજળો બનાવ્યો છે. મહિલા મંચ તા. ૩ મે, ૨૦૧૨ ના રોજ બપોરે એકથી ત્રણ કલાક દરમિયાન અમરેલીથી સાંખ્યયોગી બહેનોએ પધારી બહેનોને કથાવાર્તાનો લાભ આપ્યો હતો. દ્વિતીય સેશનનાં વ્યાખ્યાનમાળામાં શ્રી દેવપ્રસાદજી મહારાજે (આણદાબાવા આશ્રમ,જામનગર) સંત મહિમાની વાતો કરી જોગીસ્વામીની સ્મૃતિઓ તાજી કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી સાંઇરામ દવેએ સત્સંગ હાસ્યરસ પીરસી સહુ સંતો ભક્તોને રસતરબોળ કર્યા હતા.
તા. ૪ મે, શુક્રવાર, ૨૦૧૨- મહોત્સવના તૃતીય દિવસના પ્રારંભે સમૂહ મહાપુજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. મોટી સંખ્યામાં ગામના હરિભક્તોએ મહાપૂજામાં બેસી ભગવાનના પૂજનનો લાભ લીધો હતો. આજ રોજ કથાના પ્રારંભે પૂજય સ્વામીજીએ સુંદરજી સુથારનું આખ્યાન કહ્યું હતું. ત્યારબાદ સુરત, કુબેરનગરથી પધારેલ શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ જોગીસ્વામીના કેટલાક પ્રસંગો કહી સ્વામીના મહિમાની વાતો કરી હતી. ભુજ મંદિરથી પધારેલા સંતોના સ્વાગત બાદ પૂજય ઉત્તમચરણસ્વામીએ કથાવાર્તાનો લાભ આપ્યો હતો.આજનું દ્વિતીય સેશન મહત્વનું રહ્યું હતું. આજ રોજ વડતાલથી પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ મહોત્સવમાં પધાર્યા હતા. બન્ને આચાર્યોની ભવ્ય સ્વાગતયાત્રાના પ્રારંભે ગામના નૂતન પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન બન્ને આચાર્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.સ્વાગતયાત્રા બાદ બન્ને આચાર્યોનું ભવ્ય પૂજન કરવામાં આવ્યુ હતું.
પ. પૂ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુ કે સદ્ગુરુ જીવને જયારે ભગવાનના ચરણે ધરે છે ત્યારે જ પરમેશ્વર જીવનો સ્વીકાર કરે છે. પૂજય જોગીસ્વામીએ પોતાના જીવનમાં હજારો જીવોને શ્રીહરિના ચરણે ધર્યા છે. પ.પૂ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ વરસાવતા જણાવ્યુ હતુ કે આટલા નાના ગામમાં આટલો મોટો મહોત્સવ જોઇને અત્યંત હર્ષ થાય છે. પૂજય જોગીસ્વામીના કૃપાપાત્ર આ ગામ ઉપર શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય તથા ગુરુકુલ પરિવારના સંતગુણે સંપન્ન સર્વે સંતો ઉપર ભગવાનની અત્યંત કૃપા વરસે એ જ આશીર્વાદ. બન્ને આચાર્યોના આશીર્વચન બાદ મહોત્સવના તૃતીય દિવસે ગુરુકુલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી સંતો ભક્તોને પ્રસન્ન કર્યા હતા.
તા.૫ મે, શનિવાર, ૨૦૧૨ : શનિવાર મહોત્સવનો ચતુર્થ દિવસ. દિવસના પ્રારંભે પ. પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરે આરતી કરી સભામાં પધારી વક્તાશ્રીનું પૂજન-અર્ચન કર્યુ. મહારાજશ્રીના સ્વાગત પૂજન બાદ આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે અખંડ્ ભગવદ્ પરાયણ પૂજયપાદ જોગીસ્વામી શ્રીહરિને અખંડ ધારનાર સંત હતા, તેથી જ તેમની સ્મૃતિમાં આવા મોટા મહોત્સવ થઇ શકે. શાસ્ત્રીજી મહારાજ, જોગીસ્વામી જેવા મહાપુરુષોના આશીર્વાદ અને તેમની કૃપાવડે આજે આ સંતો દેશ વિદેશમાં ફરી અનેક જીવોને ભગવાન ઓળખાવે છે. શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દેશ-વિદેશમાં ફરી હિન્દુધર્મ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના સંદેશાઓનો પ્રસાર-પ્રચાર કરે છે તે સદ્ગુરુઓની જ કૃપા છે. ત્યારબાદ મહારાજશ્રીના હસ્તે ત્રીદિવસીય મહાવિષ્ણુયાગની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. આજની વ્યાખ્યાનમાળામાં અમદાવાદ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પૂજય અધ્યાત્માનંદજી મહારાજે સાધકના જીવનમાં સદ્ગુરુઓની કૃપાની આવશ્યક્તા કેટલી રહી છે તે વિશે દ્રષ્ટાન્તો સાથે સમજાવ્યું હતુ.દ્વિતીય સેશનમાં સત્સંગજીવનની કથા-શ્રવણબાદ ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પધારી પૂજય જોગીસ્વામીની સ્મૃતિમાં ઉજવાતા મહોત્સવના સર્વ યજમાનો તેમજ સર્વસંતોને ધન્યવાદ અર્પણ કર્યા હતા. આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઇ ગઢવીએ સાહિત્ય અને સંસ્કારની રમુજભરી વાતો પ્રસ્તુત કરી હતી.
તા.૬ મે, રવિવાર, ૨૦૧૨ : આજનો દિવસ સહુના માટે આનંદ-ઉત્સવનો દિવસ, પૂજયપાદ જોગીસ્વામીનો તારીખ પ્રમાણે ૧૦૮મો પ્રાગટ્ય દિવસ. આજરોજ સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાયા. બ્રાહ્મ મૂહુર્તે શ્રી સ્વામિનારાયણ મંદિર રાજકોટના કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના આયોજન પ્રમાણે સદ્ગુરુ સંતોના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણદેવનો ભવ્ય અભિષેક થયો. સવારે કિડનીને લગતા રોગોની સારવાર માટે ફ્રી મેડીકલ નિદાન કેમ્પનું આયોજન થયું. જેમાં અનેક દર્દીઓએ લાભ લીધો. સભામંડપમાં સદ્ગુરુ સંતોના હસ્તે સંપૂર્ણ મહોત્સવ દરમિયાન રાત્રી-દિવસ ઉત્સાહથી સેવા કરનારા સ્વયંસેવકોનું અભિવાદન થયું. પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ જોગીસ્વામીના પ્રસંગો કહી સહુને ગદ્ગદ્ કર્યા.બપોર પછીના દ્વિતીય સેશનમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કથાની પૂર્ણાહતિ કરી. કથાની પુર્ણાહુતિ બાદ પૂજયપાદ જોગીસ્વામી દ્વારા સેવાયેલા ઠાકોરજીની પાલખીયાત્રા ધામધુમથી સભામંડપમાં પધારી. ઠાકોરજીના સ્વાગત બાદ સદ્ગુરુ સંતોએ પંચોપચાર પૂજન કર્યુ. ઠાકોરજીના પૂજન બાદ અનેક જીવોને શ્રીહરિના ચરણે ધરનાર અખંડ ભગવદ્ પરાયણ પૂજયપાદ જોગીસ્વામીનું પૂજન ફુલહારોથી કરવામાં આવ્યુ. આ પૂજનમાં સહુ સંતો, યજમાન પરિવાર તેમજ મહાનુભાવો જોડાયા. ૧૦૮ ફુટના વિશાળ ફુલના, ચોકલેટના વિવિધ હારો, ફુલની પાંખડીઓ વડે પૂજ્ય જોગી સ્વામીને વધાવી સહુએ ધન્યતા અનુભવી. પૂજનબાદ મહોત્સવની પૂર્ણાહુતીની સમુહ આરતીનું ભવ્ય અને રમણીય દૃશ્ય સહુ કોઇના હૃદયમાં કંડારાય ગયું હતું. સમગ્ર મહોત્સવમાં તન મન ધન થી સેવા કરનાર પરિવારજનોનું સંતોએ આશીર્વાદ સહ અભિવાદન કર્યું. અ.નિ. શ્રી હરદાસભાઈ કરસનભાઈ બારસીયાની પુણ્ય સ્મૃતિમાં સુપુત્રો શ્રી કાનજીભાઈ, શ્રી ગોવિંદભાઈ તથા સમગ્ર બારસીયા પરીવાર અને શ્રી ભવાનભાઈ વશરામભાઈ કોરાટ તથા સુપુત્રો શ્રી હર્ષદભાઈ, શ્રી બીપીનભાઈ તથા સમગ્ર કોરાટ પરીવારનું અભિવાદન કરવામાં આવ્યું. તેમજ મહોત્સવમાં અનેકવિધ પ્રવૃત્તિઓના યજમાનો નું પણ અભિવાદન કરવામાં આવ્યું.ભગવાન શ્રીહરિ તથા પૂજયપાદ જોગીસ્વામીની કૃપાથી સદ્ગુરુસંતોની પ્રેરણાથી અને ગુંદાસરા, પારડી, રાજકોટ શહેર તેમજ આજુબાજુના ગામોના હરિભક્તોના તન-મન અને ધનના સહયોગથી આવા નાના એવા ગામમાં આટલો મોટો ઉત્સવ સહુ માટે ન ભૂતો ન ભવિષ્યતિ બની રહ્યો

Achieved

Category

Tags