શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ સમારોહ, સુરત

ગુરુરામ પાવન ભૂમિ, સુરત ખાતે શુભમંગલમ ફાઉન્ડેશન દ્વારા સુવર્ણ શાહીથી હસ્ત લિખિત શ્રીમદ્ ભગવદ્ગીતા અર્પણ સમારોહનું આયોજન તારીખ ૧૬ ઓગષ્ટ, ૨૦૧૫ ના રોજ કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ આયોજન પ્રખ્યાત જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રી વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં કરવા આવ્યું હતું. ભારતીય મૂળના ધર્મોમા એકતા જળવાઇ રહે ભારત વર્ષ માટે અતિ આવશ્યક બાબત છે. સદીઓથી ભારત દેશ અધ્યાત્મના પાયા ઉપર અડગ ઉભો રહી વિશ્વને પ્રેરણા આપી રહ્યો છે. અધ્યાત્મના પાયા ઉપર ઉભેલા વિવિધ ધર્મોએ ભારતવર્ષની અખંડીતતાને ટકાવી રાખી છે. અખંડીતતાને વધારે મજબૂત બનાવવા વિવિધ ધર્મોમાં અરસ-પરસ એકતાની તાતી જરૂર ઉભી થઇ છે. ત્યારે વિવિધ ધર્મો વચ્ચેની એકતાને વધારે મજબૂત બનાવતો એક અનોખો પ્રસંગ સુરત ખાતે યોજાયો.

શ્રી ધાનેરા તપાગચ્છ જૈન સંઘ, ધાનેરાના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજની પ્રેરણાથી હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ ભગવદ્ગીતાને સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યો. ગીતાજીને જે કાગળ ઉપર લખવામાં આવી છે તે કાગળ હાથ બનાવટનો છે અને તેની આયુષ્ય પાંચસો વર્ષ કરતા પણ વધારે છે અને તેમાં ઉપયોગમાં લેવાયેલી શાહી ચોવીસ કેરેટ સોનામાંથી બનાવેલી છે. ગીતાજીને લખવામાં કુલ ૧૬૮ પેજ તથા ૫૬૮ ગ્રામ સુવર્ણનો ઉપયોગ થયો છે. સૌથી મહત્ત્વની વાત તો છે કે સંપૂર્ણ ગીતાજીનું લેખન સુરેન્દ્રનગર નિવાસી અને ૫૭ વર્ષના મુસ્લીમ બિરાદર યુનુસ શેખ દ્વારા થયું છે.

હાલ ચાતુર્માસમાં સુરતમાં સ્થાઇ થયેલા પરમ પૂજ્ય શ્રી વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજે તૈયાર કરાવેલ ગીતાજીને સંપૂર્ણ હિન્દુધર્મ વતી સરસંઘસંચાલક શ્રી મોહનભાગવતજીને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પને સાકારિત કરતા સુરત ખાતે તારીખ ૧૬ ઓગષ્ટના રોજ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈનાચાર્યો તથા પૂજ્ય મોહન ભાગવતજી, પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ-રાજકોટ, પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી- SGVP અમદાવાદ, પૂજ્ય શેરનાથ બાપુ-જૂનાગઢ, પૂજ્ય લલિત કિશોરદાસજી મહારાજ-લીંબડી, પૂજ્ય શંભુનાથજી બાપુ-ઝાંઝરકા, પૂજ્ય નૌતમ સ્વામી-વડતાલ વગેરે હિન્દુ ધર્મના વિવિધ ધર્માચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાની વાતમાં જણાવ્યું હતું કે, આજનો સમય સાથે બેસી મનન અને મંથન કરવાનો છે, સંઘર્ષ કરવાનો નથી. હિન્દુ, જૈન, બૌધ અને શીખ મૂળ ભારતીય ધર્મો છે અને એની એકતામાં ભારતનું હિત સમાયેલું છે. આપણે એક ઘરમાં પાણી પીધુ છે, એક ઘરમાં જનમ્યા છીએ, એક ઘરમાં જમ્યા છીએ. એક ઘરના સભ્યોમાં અરસ-પરસ વિચારભેદ હોઇ શકે, મનભેદ નહીં.

હિન્દુ અને જૈન ધર્મમાં અદ્ભૂત સામ્ય જોવા મળે છે. હિન્દુઓ લક્ષ્મીનું પૂજન કરે છે, તો અહીં પદ્માવતીનું પૂજન થાય છે. હિન્દુઓ જન્માષ્ટમી જેવા જન્મોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે અહીં જન્મકલ્યાણ ઉજવવામાં આવે છે. હિન્દુઓમાં જાતકર્મ જેવા સંસ્કારો થાય છે, જે જૈન ધર્મમાં પણ જોવા મળે છે. અગત્યની વાત તો છે કે હિન્દુ હોય કે જૈન બધાનો છેલ્લો અગ્નિ સંસ્કાર એક સરખો ઉજવીએ છીએ. આપણે સાથે મળી સંક્રમણ કરીએ, પ્રતિક્રમણ કરીએ પણ અતિક્રમણ નહીં. અતિક્રમણ એટલે એકબીજાના ધર્મમાં દખલ કરવી.

આજે પ્રસંગ સંક્રમણનો છે, પ્રતિક્રમણનો છે. આજે સૂવર્ણ અક્ષરે લખાયેલી ગીતા કેવળ મોહન ભાગવતજીને અર્પણ થઇ રહી નથી, સંપૂર્ણ હિન્દુ ધર્મને થઇ રહી છે. માટે પ્રસંગ ઇતિહાસના પાનાઓમાં સૂવર્ણ અક્ષરે લખાઇ જશે.

પ્રસંગે પૂજ્ય પરમાત્માનંદજી મહારાજે જણાવ્યું હતું કે, આજે સમાજમાં રામ અને રાવણની વિચારધારા પ્રવર્તે છે. રામની વિચારાધારા કરતા રાવણની વિચારાધારાનો પ્રચાર અને પ્રસાર વધારે છે, ત્યારે ભારતના નાગરીકે જાગૃત થવું પડશે અને સમાજના ઉપયોગી થવું પડશે. જે સમાજના ઉપયોગમાં આવે તે સાચો યોગી છે.

પૂજ્ય મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, આજ ગીતાનું આચરણ કરનારા સંતોએ આપણને ઘણીવાતો કહી છે અને વર્ષોથી કહેતા આવ્યા છે. એમણે કહેલી વાત જ્યા સુધી આપણા આચરણમાં નહીં આવે ત્યાં સુધી પરિવર્તન શક્ય નથી. આપણો ધર્મ, સંસ્કૃતિ અને સંપ્રદાય સાશ્વત સત્યના પાયા ઉપર ઉભા છે, માટે એમને કોઇ મીટાવી શકે એમ નથી.

પ્રસંગે ઉપસ્થિત ઝાંઝરકા પીઠના અધ્યક્ષ શ્રી શંભુનાથજી મહરાજે જણાવ્યું હતું કે, આપણું હિન્દુ રાષ્ટ્ર સમરસતાથી શોભી રહ્યું છે. એમાં જેટલી અવ્યવસ્થા ઉભી થશે એટલી અશાંતિ ઉભી થશે. માટે દરેક નાનામાં નાના વ્યક્તિને સાથે લઈને ચાલીએ અને નાના-મોટાનો ભેદ ભૂલી દેશની પ્રગતીમાં જોડાઇએ. તમામ પ્રસંગનું આયોજન કરનાર પરમ પૂજ્ય અભયદેવસૂરિજી મહારાજે પ્રસંગે જણાવ્યું હતું કે, અમારે આગલા વર્ષે મોહન ભાગવતજી સાથે દીલ્હી ખાતે મળવાનું થયેલું. સમયે મેં તેમને ગીતાજી આપવાનો સંકલ્પ કરેલો તે આજે સિદ્ધ થયો છે. પ્રસંગે સંપૂર્ણ જૈન સમાજ આનંદની લાગણી અનુભવે છે. અમે ભાગવતજીનો આભાર માનીએ છીએ કે અમારા આમંત્રણને માન આપી તેઓ આજે અહી ઉપસ્થિત રહ્યા. અન્ય ઉપસ્થિત સંતોનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું.

કાર્યક્રમના અંતમાં જ્યારે પૂજ્ય જૈનાચાર્યજીએ શ્રી મોહન ભાગવતજીને ગીતા અર્પણ કરી ત્યારે ઉપસ્થિત ભક્ત સમુદાયના તાળીઓના ગડગડાટ અને જયનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.