Satsang Gyansatra - Dallas - 2023

સત્સંગ જ્ઞાનસત્ર, ડલાસ

પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં અમેરીકા, ટેક્ષાસ ખાતે આવેલ ડલાસ સીટીમાં માર્ચ ૨૫ થી ૩૦, ૨૦૨૩ દરમ્યાન કથાનું આયોજન થયું.

ડલાસના ગ્રાન્ડપેરી વિસ્તારમાં વડતાલ તાબાનું વર્ષો જૂનું શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વર્ષો પહેલા અહીં પધાર્યા હતા અને સત્સંગના બીજ રોપ્યા હતા. જે ધીમે ધીમે મંદિર રૂપે પાંગર્યા હતા. અખંડ ભગવદ્‌ પરાયણ શ્રી જોગી સ્વામી અહીં પધાર્યા હતા અને સત્સંગના બગીચાનું પોષણ કર્યું હતું. વડતાલ ગાદીના ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા અખંડ ભગવદ્‌ પરાયણ શ્રીજોગી સ્વામી તથા વડતાલ ગાદીના પવિત્ર સંતો અવાર નવાર અહીં પધારતા રહ્યા છે. સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ અવાર નવાર પધારી આ સત્સંગના બગીચાનું પોષણ કર્યું છે.

SGVPના પવિત્ર સંત પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી આ મંદિરમાં ઘણો સમય રહ્યા છે. પુરાણી સ્વામીની પ્રાર્થનાથી ભગવાને અનેક ભક્તજનોના મનોરથ પૂરા કર્યા છે. પુરાણી સ્વામી જેવા સીધા, સાદા, સરળ વાત્સલ્યમૂર્તિ સંત પ્રત્યે અહીંના ભક્તોના હૃદયમાં અનન્ય પૂજ્યભાવ રહ્યો છે.

એક વર્ષ પહેલા ચૈત્રમાસમાં પુરાણી સ્વામી અક્ષરવાસી થયા પછી અહીંના ભક્તજનોના અંતરમાં પુરાણી સ્વામીની પાવનકારી સ્મૃતિમાં સત્સંગ જ્ઞાનયજ્ઞ કરાવવાનો મનોરથ રમતો હતો.

અમેરીકાના સત્સંગ વિચરણ દરમિયાન પૂજ્ય સ્વામીશ્રી ડલાસ પધાર્યા હતા અને અહીંના ભક્તજનોના આગ્રહથી એમણે ‘સત્સંગ જ્ઞાનસત્ર’ અંતર્ગત ‘સદ્‌ગુરુ ચરિત્ર’ની કથાઓનું શ્રવણ કરાવ્યું હતું.

આ કથા દરમિયાન પૂજ્ય સ્વામીશ્રીએ ભક્તજનોને ભારતીય સંસ્કૃતિના મહાન સંતો તથા ઋષિમુનિઓની મહાન ગાથાઓનું શ્રવણ કરાવ્યું હતું.

સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આપણા હિંદુધર્મનું મૂળ નામ સનાતન ધર્મ છે. જેનો આદિ અને અંત ના હોય તેને સનાતન કહેવાય. સનાતન ધર્મનો મૂળ ગ્રંથ વેદ છે. વેદોના સિદ્ધાંતો સમગ્ર વિશ્વને સુખી કરનારા છે.’

સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચ મહાવ્રત સનાતન ધર્મના આધાર સ્તંભો છે. આ વ્રતો સર્વ દેશ અને સર્વકાળમાં સર્વજીવોનું હિત કરનારા છે.’

સ્વામીશ્રીએ પોતાના પ્રવચન દરમિયાન એક એક મહાવ્રતની વિશદ સમજણ આપી હતી.

‘સનાતન ધર્મમાં અનેક મહાન ઋષિમુનિઓ અને સંતો થયા છે. જેમના પવિત્ર આચાર વિચારને લીધે સનાતન ધર્મ વિશેષ દૈદિપ્યમાન બન્યો છે.’

સ્વામીશ્રીએ ઘરના વડીલોને ભલામણ કરતા કહ્યું હતું કે, ‘આપની નિવૃત્તિનો સમય સત્કાર્યમાં પસાર થવો જોઈએ. તે ઉપરાંત વડીલોનું મોટું કાર્ય છે, પરિવારના નાના સંતાનોને સંસ્કાર આપવાનું. દાદા-દાદીનો ખોળો એક ગુરુકુલ છે. ભારતીય સંસ્કારથી બાળકોનું જીવન સુગંધી બને તે વડીલોનું કાર્ય છે.’

કથા દરમિયાન સ્વામીશ્રી સનાતન ધર્મના અનેક રહસ્યો સમજાવતા હતા. દરરોજ કથાના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી થતી હતી, જેમાં ભક્તજનો દ્વારા પૂછાતા પ્રશ્નોના સમાધાન થતા હતા.

કથા દરમિયાન પાર્ષદ ઘનશ્યામ ભગતે સુમધુર સંગીત સાથે કીર્તનોનું ગાન કર્યું હતું.

પ.ભ.શ્રી મનુભાઈ કોરડીયા, ઘનશ્યામભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ વગેરે ડલાસ નિવાસી ભક્તજનોએ યજમાનપદે રહીને ખૂબ જ પ્રેમથી લાભ લીધો હતો.

ડલાસ મંદિરના મુખ્ય કોઠારીશ્રી પી.પી. શાસ્ત્રી સ્વામીએ (વડતાલ મંદિર) આ આયોજનને સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

મંદિરના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ પટેલ, કમિટીના સભ્યશ્રીઓ તેમજ ટ્રસ્ટી શ્રી રજનીભાઈ પટેલ, ડો. રાજેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ભરતભાઈ પટેલ વગેરેએ ભારે કુશળતાપૂર્વક આ આયોજનને પાર પાડ્યું હતું.

સત્સંગ જ્ઞાનયજ્ઞ વખતે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો એકત્રિત થતા હતા. સ્વામીશ્રી મંગલવાણી અને અક્ષરવાસી પુરાણી સ્વામીનું પવિત્ર વ્યક્તિત્ત્વ કથામાં સર્વને ખેંચી લાવતું હતું.

મંદિરના સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી ભોજનપ્રસાદ વગેરેની નાની મોટી વ્યવસ્થાઓ ઉપાડી લીધી હતી અને આ આયોજનને સફળ બનાવ્યું હતું.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.